પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો5 Marks
Question
ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો.
✓
Answer
નિર્માણ ક્રિયાના આધારે ખડકોના મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે: $(i)$ અગ્નિકૃત ખડકો, $(ii)$ જળકૃત કે પ્રસ્તર ખડકો અને $(iii)$ રૂપાંતરિત અથવા વિકૃત ખડકો.
$(i)$ **અગ્નિકૃત ખડકો:** જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મૅગ્મા (Magma) - લાવારસ - ભૂપૃષ્ઠમાં જ અથવા પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મૅગ્મા ઠંડો પડતાં જે ખડકો બને છે તે 'અગ્નિકૃત ખડકો' કહેવાય છે. અગ્નિકૃત ખડકોના બે પેટા પ્રકારો છે: બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો. જ્વાળામુખીય પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી પર બહાર ફેંકાયેલા અને ઝડપથી ઠરીને નક્કર બનેલા લાવારસના ખડકોને 'બાહ્ય અગ્નિકૃત ખડકો' કહે છે. આ ખડકોની સંરચના (ગોઠવણી) ખૂબ નાની દાણાદાર હોય છે. બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકનું ઉત્તમ દૃષ્ટાંત છે. પૃથ્વીના પેટાળમાં રહેલો મૅગ્મા અથવા લાવારસ જો પૃથ્વીના પેટાળમાં કે ભૂકવચની અંદર વધુ ઊંડાઈએ ઠરી જાય તો તે સ્થાને રચાયેલા નક્કર ખડકોને 'આંતરિક અગ્નિકૃત ખડકો' કહે છે. ધીમે ધીમે લાવા ઠરવાના કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલા દળવા માટે મોટા ભાગે ગ્રેનાઇટ પથ્થરોનો ઉપયોગ થાય છે.
$(ii)$ **જળકૃત ખડકો:** પૃથ્વીસપાટી પર વરસાદ, નદી, હિમનદી અને પવન જેવાં પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. ઘસારાની ક્રિયાથી છુટાં પડેલાં ખડકદ્રવ્યો, માટીકણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળે જળમાં એકઠાં થાય છે. આમ, જળમાં નિક્ષેપ દ્વારા એકઠાં થયેલાં દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજો સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે. આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે. કાળક્રમે તેમાંથી સ્તરરચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે. તેથી આ ખડકોને 'જળકૃત કે પ્રસ્તર ખડકો' કહેવામાં આવે છે. દા. ત., રેતાળ પથ્થર એ રેતીના કણોથી બને છે. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓથી જીવાશ્મિ બને છે.
$(iii)$ **રૂપાંતરિત ખડકો:** અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે તે 'રૂપાંતરિત ખડકો' કહેવાય છે. દા. ત., ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થરનું આરસપહાણમાં રૂપાંતર થાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.