રઝિયા સુલતાના ઇલતુત્મિશની કાબેલ પુત્રી હતી. ઇલતુત્મિશના અવસાનના થોડા સમય પછી તે દિલ્લીની ગાદીએ આવી હતી. રઝિયા દિલ્લી સલ્તનત દરમિયાન દિલ્લીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિનહાજ-એ-સિરાજે નોંધ્યું છે કે, 'રઝિયા સુલતાના તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી.' આમ છતાં, તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી. રઝિયામાં કુશળ રાજકર્તા તરીકેના બધા ગુણો હતા. તે નીડર અને શૂરવીર હતી. તેણે સ્વબળે દિલ્લીના શાસનતંત્ર પર અંકુશ મેળવ્યો હતો. એ સમયે દિલ્લીના દરબારમાં અમીર-ઉમરાવોનું ખૂબ વર્ચસ્વ હતું. પોતાની ઉપર એક સ્ત્રી શાસન કરે તે આ રૂઢિચુસ્ત અમીર-ઉમરાવોને અપમાનજનક લાગ્યું. આથી તેમણે રઝિયા પાસેથી સત્તા આંચકી લેવા તેની વિરુદ્ધ બળવાઓ શરૂ કર્યા. આમ, અમીર-ઉમરાવોની સત્તાલાલસાને કારણે રઝિયા સુલતાનાના શાસનનો અંત આવ્યો.