ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા છે. તેમનો જન્મ નાગર કુટુંબમાં ભાવનગર પાસે તળાજામાં થયો હતો. ઘરસંસાર માંડ્યો હોવા છતાં સંસારનો રંગ તેમના પર લાગી શક્યો નહિ. નાતજાતના વાડાઓ અને છૂતાછૂતથી પીડાતા સમાજને જોઈને તેઓ દુઃખી હતા. તેમણે કહ્યું કે, “પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદષ્ટિને સર્વ સમાન.” પ્રભુમાં શ્રદ્ધા અને તેની ભક્તિને સહારે માણસ કેવી રીતે અનેક વિપત્તિઓ પાર કરી શકે છે, તે પોતાના જીવનના ઉદાહરણ દ્વારા તેમણે સમજાવ્યું હતું. તેમના જ્ઞાન, ભક્તિના પદો અને પ્રભાતિયાની ગુજરાતના જનસમાજ ઉપર ઊંડી અસર છે. પાંચસો વર્ષથી ગુજરાતના ઘરઘરમાં પ્રભાતિયાં તેમજ કવિતા ખૂબ પ્રચલિત છે. તેઓ કૃષ્ણભક્તિમાં તલ્લીન હતા. તેમના કાવ્યની સરળ ભાષામાં ઉત્તમ તત્ત્વજ્ઞાન જોવા મળતું હતું. ગાંધીજીને પણ નરસિંહ મહેતાનું પ્રભાતિયું ખૂબ પ્રિય હતું. “વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે.”